સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં અમરાપર ગામે વડીલોપાર્જીત કબજાની સરકારી ખરાબાની જમીન બાબતે છ શખ્સોએ વૃધ્ધને લાકડીથી માર માર્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વધુ વિગત એવી છે કે,થાનગઢ તાલુકાનાં અમરાપર ગામે રહેતા 65 વર્ષનાં છગનભાઈ કુંવરાભાઈ ડાભીને ભાગમાં વડીલોપાર્જીત 300 વાર જેટલો ખરાબો આવેલ છે જે 35 વર્ષથી તેમની પાસે છે. આ જમીન પચાવી પાડવા હરેશભાઈ ગોવિંદભાઈ લાંબરીયા, જયેશ છેલાભાઈ લાંબરીયા અને મંગાભાઈ ભીમાભાઈ લાંબરીયા તેમને અવાર-નવાર હેરાન કરી ઝઘડો કરતા હતા. બનાવનાં દિવસે છગનભાઈ બે દિકરાઓ સાથે દુકાને બેઠા હતા.ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ફોન કરી બોલાવતા હરેશભાઈ, જયેશભાઈ અને મંગાભાઈ ત્યાં આવ્યા હતા અને લાકડી વડે તેમને માર મારવા લાગ્યા હતા. અજાણ્યા ત્રણ શખ્સો પણ મારવા લાગ્યા હતા. છગનભાઈના પત્ની ગોમીબેન વચ્ચે પડતા બધા ભાગી ગયા હતા. જ્યારે છગનભાઈને ગંભીર ઈજા સાથે રાજકોટ સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે તેમણે હરેશભાઈ ગોવિંદભાઈ લાંબરીયા, જયેશભાઈ છેલાભાઈ લાંબરીયા અને મંગાભાઈ ભીમાભાઈ લાંબરીયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.