ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ આવેલ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જતા માર્ગ પરના કાચા અને પાકા દબાણો પર આખરે બુલડોઝર ફેરવાયુ છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ દબાણદારો ન ખસતા નગરપાલિકાની ટીમે આજે તમામ દબાણો તોડી પાડ્યા હતા.
ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ થઈ ગયા હતા. જેના કારણે રસ્તો પણ સાંકડો થઈ ગયો હતો. દબાણદારોના કારણે આગળ આવેલી 6 થી 7 જેટલી સોસાયટીના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેચવી પડતી હતી. જે મામલે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકાએ દબાણદારોને અત્યાર સુધી અનેકવાર નોટીસ આપી દબાણો દૂર કરવા જણાવ્યું હતું.
વારંવાર નોટિસ આપવા છતાં પણ આજ દિન સુધી એક પણ દબાણદારે ગેરકાયદેસર દબાણ દૂર કર્યું નહોતું અને જ્યારે જ્યારે નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે જાય ત્યારે દબાણદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવતો હતો. તે દરમિયાન આજે વહેલી સવારે ડીસા નગરપાલિકાની ટીમ જીસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી હતી અને 12 જેટલા કાચા પાકા દબાણો ઉપર ફેરવી દબાણો દૂર કર્યા હતા.