કડી : જૂની મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે યુવક દર્શન કરવા માટે ગયો હતો. જે દરમિયાન ચાર શખસોએ હુમલો કર્યો હતો ત્યાંથી યુવક ભાગીને ધવલ પ્લાઝા ખાતે આવ્યો હતો. ત્યાં પણ ચાર ઈસમોએ તેનો પીછો કરીને ગડદા પાટુનો માર મારતા યુવકને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. કડી પોલીસે 4 શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
કડીના બનાસકાંઠા સોસાયટીમાં રહેતા ધ્રુવ નિલેશભાઈ પ્રજાપતિ જે ITI માં અભ્યાસ કરે છે અને તેના પિતા પાન પાર્લર ચલાવીને ગુજરાન ચલાવી રહ્યા છે. ધ્રુવ પોતાના ઘરેથી જૂની મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે દર્શન કરવા માટે ગયો હતો અને ત્યાં આગળ સૌરભ, વરૂણ, ચિરાગ સહિત 4 લોકો બેઠા હતા. તેઓ ધ્રુવ સામે જોઈને આંખો કાઢતા હતા ત્યારે ધ્રુવે કહ્યું કે તમે લોકો મારી સામે કેમ આંખો કાઢો છો જેવું કહેતા ચારેય ઇસમો ઉશ્કેલાઈ જઈ ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને ધ્રુવને માર માર્યો હતો.
કડી મેલડી માતાજીના મંદિર ખાતે ધ્રુવ ઉપર હુમલો થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યાંથી નીકળી ધવલ પ્લાઝા પાસે આવેલ પાન પાર્લરની દુકાન પાસે બેઠો હતો ત્યાં પણ આ ચાર ઇસમો પીછો કરીને આવી પહોંચ્યા હતા. તું અમને ગાળો કેમ દેતો હતો તેમ કહીને ગાળા ગાળી કરીને ત્યાં પણ તેને માર માર્યો હતો ત્યાં પણ લોકો ભેગા થઈ જતા ત્યાંથી આ ચાર ઈસમો ભાગી ગયા હતા. ધ્રુવ ત્યાંથી ઘરે જતો રહ્યો હતો પરંતુ તેને ઇજાઓ પહોંચતા તેના માતા-પિતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.