કડીના વિડજ ગામ નજીક પૂનમ એસ્ટેટ સામે ગાડીચાલકે એક્ટિવાને ટક્કર મારતાં ફંગોળાયેલા પિતા-પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. કડી પોલીસે ગાડીચાલક સામે ગુનો નોંધ્યો છે.
દેત્રોજ તાલુકાના ઘેલડા ગામના પ્રજાપતિ કાંતિભાઈ જેણાભાઈ છેલ્લા સાત વર્ષથી કડીના વિડજ ગામની સીમમાં પૂનમ એસ્ટેટમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. રવિવારે સાંજે તેઓ તેમના પુત્ર રોહિત સાથે એક્ટિવા લઇ નર્મદા કેનાલે ગયા હતા. જ્યાંથી તેઓ બંન્ને પરત ફરતાં સાંજે છ વાગે પૂનમ એસ્ટેટની સામે રોડ ઓળંગી રહ્યા હતા,
તે દરમિયાન વિડજ તરફથી આવેલી ગાડી ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક્ટિવા ચાલક રોહિત અને તેના પિતા કાંતિભાઈને ગંભીર ઈજા થતાં કડી ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કાંતિભાઈના એકના એક પુત્ર રોહિતનું અવસાન થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. રોહિતના લગ્ન હારિજના જલ્પાબેન સાથે થયાં હતાં અને સંતાનમાં 10 વર્ષનો એક પુત્ર છે.