ડીસા તાલુકાના મહાદેવિયા ગામના શિક્ષકનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી અજાણ્યા શખ્સો શિક્ષકના ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપાડી લેતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસા તાલુકાના મહાદેવીયા ગામે રહેતા અને ગલાલપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ મકવાણાના ઘરે લગ્ન પ્રસંગ હોય તેઓ દોઢ મહિના અગાઉ ડીસામાં ફુવારા સર્કલ પાસે આવેલી એસબીઆઇના એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા અને શિક્ષક તેમના એકાઉન્ટમાં બેલેન્સ ચેક કરી રહ્યા હતા.
તે સમયે તેમની બાજુમાં ઉભેલા બે શખ્સો તેમના એટીએમનો પાસવર્ડ જાણી ગયેલા અને શિક્ષકને એટીએમ કાર્ડ વાપરતા આવડતું નથી તેમજ તેમને મદદ કરવાના બહાને છળકપટથી શિક્ષકનું એટીએમ કાર્ડ બદલી દઇ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ થોડીવાર પછી શિક્ષકે તેમનું એટીએમ કાર્ડ જોતા બદલાઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓ તરત જ એસબીઆઈ બેન્કમાં જઇ મેનેજરને મળ્યા હતા અને તેમનું કાર્ડ બદલાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.
જેથી બેંક મેનેજરે શિક્ષકનું એકાઉન્ટ ચેક કરતા તેમના ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હોવાથી શિક્ષક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું. જોકે શિક્ષકના દીકરાના લગ્ન પ્રસંગ હોવાથી તેમજ શાળામાં રજા હોવાથી તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા અને ત્યારબાદ દોઢ મહિના પછી ઘરે પરત આવતા જ તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.