ડીસા તાલુકાના યાવરપુરા ગામે દૂધ ઉત્પાદક મંડળીમાં ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. મંડળીના મંત્રીએ પશુપાલકોના 4.47 લાખ રૂપિયા ચાઉં કરી જતા મંડળીના ચેરમેને મંત્રી વિરુદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

ડીસા તાલુકાની યાવરપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળમાં ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. યાવરપુરા મંડળીમાં 19/11/2018ના રોજ વ્યવસ્થાપક કમિટીએ ઠરાવ કરી મંત્રી તરીકે દિનેશ સુથારની નિમણૂંક કરી હતી અને ત્યારથી મંડળીમાં તમામ વહીવટની કામગીરી, નાણાંકીય લેવડદેવડ તેમજ ડેડ સ્ટોક, દફતર અને સિલક સ્ટોકની જવાબદારી પણ તેઓ સંભાળતા હતા. ત્યારબાદ 02/10/2021ના રોજ દિનેશ સુથારને છૂટા કરતા તેમણે મંડળીના તમામ હિસાબો વ્યવસ્થાપક કમિટીને રજૂ કર્યા હતા. જેમાં તમામ હિસાબો બાદ 4.47 લાખ રૂપિયાની સિલક હાથ પર રહેતી હતી. જે સિલક વ્યવસ્થાપક કમિટી અને ચેરમેને બેંકમાં જમા કરવાનું જણાવ્યું હતું.

તેમ છતાં પણ મંડળીના મંત્રીએ આજ દિન સુધી બાકી નીકળતી સિલક બેંકમાં જમા કરાવેલા નથી. તે દરમિયાન પાલનપુર સહકારી મંડળીઓના સ્પેશિયલ ઓડીટર દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું અને ઓડિટ બાદ ઉચાપત જણાતા જિલ્લા રજિસ્ટ્રારે વ્યવસ્થાપક કમિટી અને ચેરમેનને ઉચાપત કરનાર મંત્રી સામે ફરિયાદ નોંધાવવા માટે લેખિત જાણ કરી હતી. જે મુજબ યાવરપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જબરાજી રાજપૂતે ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે પશુપાલકોના પૈસાની ઉચાપત કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરનાર મંત્રી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.