ડીસામાં રખડતા પશુના કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રામસણ હાઇવે પર પસાર થઈ રહેલા બાઈક ચાલકને રસ્તા વચ્ચે અચાનક ગાય આવી જતા અકસ્માત નડ્યો હતો. જેમાં બાઇક સવાર બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.
ડીસા તાલુકાના રામસણ ગામ પાસે હાઈવે પર બાઈક સવાર બે યુવકોનો અકસ્માત સર્જાયો હતો. મેઘાજી પાંચાજી ઠાકોર અને સંજયજી ગણેશજી ઠાકોર નામના બે યુવકો બાઇક લઈને રામસણ પાસે હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ગાય સાથે અથડાઈને રોડ પર પટકાતા બાઈક સવાર બંને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તોની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. એક જ અઠવાડિયામાં રખડતા પશુઓએ આઠ લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે રામસણ પાસેના અકસ્માતમાં વધુ બે યુવકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ગઈકાલે જ રખડતા પશુઓને નાથવામાં નિષ્ફળ રહેલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સામે જાગૃત નાગરિકે પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ત્યારે રખડતા પશુઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માગણી છે.