પાલનપુર બસપોર્ટમાં શનિવારે તલવાર અને ધોકા લઈ આતંક મચાવનાર 14 તોફાની તત્વો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કાફેમાં 15 શખ્સો વચ્ચે ચા ઢોળાવવાના મુદ્દે મારામારી થઈ હતી. ત્યાં એક જૂથને કાફેના સંચાલકે ધોકો આપ્યો હોવાનું માની તોફાનીઓ ધોકા અને તલવારો લઈ તૂટી પડ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

પાલનપુર બસપોર્ટમાં શનિવારે તલવાર અને ધોકા લઈ આતંક મચાવવા પાછળ કાફેમાં ચા ઢોળવાની આંતરિક બબાલ સામે આવી છે. વડગામ તાલુકાના ટીંબાચુડીના દીપેશકુમાર વીરજીભાઈ ચૌધરી અને તેમની માસીનો છોકરો વિશાલ ઉર્ફે સચિન કેસરભાઈ ચૌધરી ટી કેફે ધરાવે છે. જ્યાં શનિવારે બપોરના સુમારે 15 જેટલા શખ્સ ચા પીવા માટે આવ્યા હતા. જ્યાં ચા ઢોળાવા બાબતે અંદરો અંદર બોલાચાલી થયા બાદ કોઈ શખ્સે કેફેમાં પડેલો ધોકો લઈ મારામારી કરી હતી. અને તેઓ ત્યાંથી અલગ પડ્યા હતા. જેની 15 મિનિટ પછી 25 થી 30 શખ્સોનું ટોળું આવ્યું હતું અને તમે છોકરાઓને કેમ ધોકો આપ્યો હતો.

તેમ કહી એક શખ્સે દીપેશકુમારને થપ્પડ મારી હતી. આથી દીપેશકુમાર તેમના માસીના દીકરા વિશાલ ઉર્ફે સચિન અને જીગ્નેશને બેસાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા. ત્યારે ફરી 25 થી 30 શખ્સો તલવાર ધોકા લોખંડની પાઇપ લઈ ટી કેફે ઉપર તૂટી પડ્યા હતા. કાચ, સર સામાનની તોડફોડ કરી હતી. તેમજ વિશાલને માથાના અને નાકના ભાગે જ્યારે જીગ્નેશના હાથ ઉપર ઇજા કરી હતી. આ અંગે દીપેશકુમારે 14 સામે નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ લુખ્ખાઓ સામે ફરિયાદ નોંધાઈ

1.ઉજમસિંહ ઉર્ફે ઉમેદસિંહ ચૌહાણ (રહે. ચેખલા તા. અમીરગઢ,2. સાગરભાઇ ચૌહાણ (રહે. થુર તા. વડગામ),3. સચિન ચૌહાણ (રહે. મેરવાડા તા. પાલનપુર),4. સચિનસિંહ ચૌહાણ (રહે. મોટા કરઝા તા. અમીરગઢ),5. વિજેન્દ્રસીંગ ઉર્ફે સચિન ચૌહાણ (રહે. ઝાલરા કરજા તા. અમીરગઢ),6. જીતેન્દ્રસિંહ ડાભી (રહે. કીડોતર તા.અમીરગઢ),7. વિષ્ણુસિંહ મનહરસિંહ ડાભી (રહે. સરોત્રા તા. અમીરગઢ),8. યુવરાજસિંહ ચૌહાણ (રહે. મોટા કરઝા તા. અમીરગઢ),9. દર્શન માળી (રહે. વાઘરોળ તા. દાંતીવાડા),10. ધીરેન્દ્રસિંહ ગઢવી ( રહે. પાણીયારી તા. દાંતા),11. પ્રિન્સ પરમાર (રહે. સરોત્રા તા. અમીરગઢ),12. વિકાસસિંહ સોનસિંહ ચૌહાણ (રહે. કરઝા તા. અમીરગઢ),13. અનિરુદ્ધસિંહ સોનસિંહ ચૌહાણ (રહે. કરઝા તા. અમીરગઢ),14. દેવુસિંહ ડાભી (રહે. ધોરી પાવઠી તા. દાંતા),15. અન્ય અજાણ્યા શખ્સો