થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ ગામની સીમમાં એચ.પી.પેટ્રોલપંપની સામે હાઇવે રોડ ઉપર બાઇક, ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં થરાદના વાંતડાઉં ગામના બે યુવકોના કરુણ અને કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. થરાદ પોલીસે ટ્રેક્ટર ચાલકની બેદરકારી બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવને પગલે ગામ અને પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. થરાદ તાલુકાના વાંતડાઉ ગામના બે યુવકો વર્ધાભાઈ વાલાજી ચૌધરી (ઉં.વ.19) અને મોતીભાઈ મદરૂપભાઈ ચૌધરી (ઉં.વ.23) જાડરા ગામે પોતાના સંબંધીને લેપટોપ આપીને બાઇક નંબર જીજે-08-સીડી-7808 પર પરત ફરી રહ્યા હતા. આ વખતે થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ ગામની સીમમાં ગુરુવારની રાત્રે એચપી પેટ્રોલ પંપ પાસે આવતાં આગળ ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાયા હતા. આથી બંનેને ગંભીર ઈજા થવા પામી હતી.
જેમને 108ની મદદથી પીલુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક વર્ધાભાઈના કાકા પનાભાઇ અણદાભાઇ પટેલ (રહે.વાંતડાઉ,તા.થરાદ) એ ટ્રેક્ટર નંબર જીજે-08-બીએસ-3724 ની સાથેની ટ્રોલીને રોડ ઉપર રાત્રે ઉભી રાખી વાહનના પાછળના ભાગે ભયસુચક ચિન્હો કે સિગ્નલ લાઇટો ચાલુ ન રાખી બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધાવી હતી.