અમીરગઢ તાલુકાના ઉપલાખાપા ગામે ગુરુવારે રાત્રે ઝઘડી રહેલા પુત્ર અને પુત્રવધુને છોડાવવા જતાં ઉશ્કેરાયેલા પુત્રએ છાતીમાં ધોકો મારી પિતાની હત્યા કરી હતી. આ અંગે હત્યારાના ભાઈએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમીરગઢ તાલુકાના ઉપલાખાપા ગામે રહેતા બકાભાઇ સાજાભાઈ ડુંગઈશા ગુરુવારે રાત્રે 10:00 વાગ્યા ના સુમારે તેમની પત્ની સાથે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા સાજાભાઈ અણદાભાઈ ડુંગાઈશા (ઉ.વ.50) પુત્રને સમજાવવા માટે ગયા હતા. તે દરમિયાન બકાભાઇ ઉશ્કેરાઇ ગયો હતો. અને પોતાની પાસે રહેલો ધોકો પિતાની છાતીમાં મારતા તેમનું મોત થયું હતું. વહેલી સવારે આ અંગેની જાણ થતા હત્યારાના ભાઈ મુકેશભાઈએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બકાભાઇ તેની પત્નીને માર મારતો હતો. ત્યારે તેના પિતા છોડાવવા ગયા હતા. જે વખતે તેમની છાતીમાં ધોકો મારતા પિતા ખાટલામાં મૃત્યુ પામ્યા હતા. જેનાથી અજાણ માતા ગુજરીબેન બીજા પુત્ર મુકેશભાઈને બોલાવી લાવી હતી. જેણે ભાઈ અને તેની પત્નીને વાર્યા હતા. અને તે તેના ખેતરે પરત ગયો હતો. સવારે માતા ફરી બોલાવવા આવી ત્યારે પિતાને જગાડવા જતા તેઓનું મોત થયાની જાણ થઈ હતી.