જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ડાકવડલા ખાતે આવેલા ત્રિવેણી ડેમ ઠાંગાની મુલાકાત લીધી હતી. હાલમાં મંત્રીના માર્ગદર્શન હેઠળ ચોટીલા તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા જળસંપત્તિના સંવર્ધન અને સંરક્ષણ માટે ડેમ અને સરોવરો ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે.મુલાકાત દરમિયાન મંત્રીએ સૌની યોજના કાર્યપાલક ઇજનેર પાસેથી સૌની યોજનાના લાભાન્વિત ગામો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ઉપરાંત છેવાડાના ગામોને મચ્છુ -1 દ્વારા પાણી મળે રહે તે માટે નવી પાઇપ લાઇનની ત્વરિત વ્યવસ્થાઓ કરવા સૂચનો કર્યા હતા.મંત્રીએ ત્રિવેણી ઠાંગા ડેમની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતુ. આ ડેમ દ્વારા આસપાસના ગામડાઓમાં લોકોને પીવાનું પાણી તેમજ સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગના અધિકારીઓ અને ઈજનેરો, સૌની યોજનાના અધિકારીઓ સહિત સંલગ્ન અધિકારીઓ સાથે પરામર્શ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતુ.વધુમાં મંત્રીએ ડાકવડલા ગામની આજુબાજુના ગામડાઓને પણ પાણી મળે રહે તે માટે ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીનો વધારો કરવો, કેનાલો, તળાવોની સફાઈ કરાવવી, રીનોવેશન કામગીરી, ચેકડેમ બની શકે તેમ હોઈ તે વિસ્તારોનો સર્વે કરી ચેકડેમ બનાવવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ તકે ચોટીલા પ્રાંત અધિકારી પ્રિયાંક ગળચર, મામલતદાર નિકુંજ ધૂળા, સિંચાઈ વિભાગ, સૌની યોજના વિભાગના તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.