બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તે રીતે પાલનપુર બસપોર્ટમાં આતંક મચાવ્યો હતો. ધોળે દિવસે 15 થી વધુ શખ્સોએ કોઈ કારણોસર હાથમાં તલવાર અને ધોકા લઈ બસપોર્ટના કાફેમાં તોડફોડ અને મારામારી કર્યાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
પાલનપુરના નવા એસટી બસ પોર્ટ પર આજે બપોરના સમયે અચાનક જ માહોલ અશાંત બન્યો હતો. બસપોર્ટના ચાના કાફે પર 15 જેટલા શખ્સોએ હાથમાં તલવાર અને ધોકા લઈ બસપોર્ટના ચાના કાફે પાસે મારામારી અને બાદમાં કાફેમાં તોડફોડ કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. બસપોર્ટ પરના અન્ય સીસીટીવીમાં કેટલાક લોકો ચાના કાફે નજીક સામસામે મારામારી કરતા પણ જોવા મળી રહ્યા છે.
પાલનપુર બસપોર્ટમાં ધોળા દિવસે થયેલી મારામારીની ઘટનાના પગલે અન્ય મુસાફરોમાં ડરનો માહોલ છવાયો હતો અને નાસભાગ મચી હતી.
પાલનપુર પશ્ચિમ પી.આઈ. આર.બી.ગોહિલે જણાવ્યું હતું કે,બસપોર્ટ પર ચા ઢોળાવાના કારણે માથાકૂટ થઈ હતી. ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે હાલ તપાસ ચાલુ છે.