થરાદની ખોડા ચેક પોસ્ટ પર દારુ જપ્ત: ટ્રેલરમાં ભરેલા પીયુપી પાવડરના કટ્ટાઓમાં 42 પેટી પરપ્રાંતિય દારુ ઝડપાયો; પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી

થરાદના ખોડા આંતર રાજ્ય ચેક પોસ્ટ પર ગઇકાલે બપોરના સમયે રાજસ્થાનથી આવતા એક ટ્રક નંબર RJ-01-GC-3240માં 42 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ સાંચોરથી આવતી એક ટ્રેલર ગાડીની પોલીસ ચેકિંગ દરમિયાન તલાસી લેતાં એમાં ભરેલા પીયુપી પાવડરના કટ્ટાઓ નીચે સફેદ કલરના 42 બોક્ષ જોવા મળ્યા હતી. ગાડીને સાઇડમાં લઇ વધુ તપાસ કરી તો આ ગાડીમાં પરપ્રાંતીય દારુની કુલ 42 પેટી છુપાવેલી હાલતમાં મળી આવી હતી.

થરાદ પોલીસે ગાડીના ડ્રાઈવર ચુનારામ નરસીંગરામ જાટ (ઉ.વ. 29 રહે, કંકરાલા મુલાણી) તેમજ ચંદનારામ ભોમારામ જાટ (ઉ.વ. 28 રહે કંકરાલા મુલાણી)ને ગાડીમાંથી ઉતારી તેમને પુછપરછ કરતા તેઓએ ગાડીમાં પાવડર ભરેલું હોવાનું જણાવેલું. આ લોકો પોલીસની નજરમાં ધુળ નાખીને દારુ પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારુ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ થરાદ પોલીસની બાજ નજરથી તે ન બચી શક્યા. રાજસ્થાન બનાવટની કુલ 42 પેટીમાં 504 બોટલ દારુ થરાદ પોલીસે જપ્ત કર્યો છે. જેની અંદાજે કિંમત 5,01,480 તેમજ આ દારુની હેરાફેરીમાં વપરાયેલા ટ્રેલર કિંમત રૂપિયા 15,00,000 અને પીયુપીપાવડરના 1350 કટા તેમજ બન્નેં ડ્રાઇવરોનાં બન્ને મોબાઈલો થરાદ પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.