મહેસાણાના ટીબી રોડ વિસ્તારમાં આવેલા છાપરામાં 48 વર્ષની પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખવા મામલે તકરાર થતાં પ્રેમીએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. શુક્રવારે સવારે છાપરામાંથી લાશ મળી આવતાં પોલીસે પેનલ પીએમ બાદ હત્યારને અટક કરી લીધો હતો.
મૂળ ધિણોજના અને હાલ મહેસાણામાં તાવડિયા રોડ પર પાર્થ રો હાઉસમાં રહેતા રાજેશભાઈ સોમાભાઈ મકવાણા દૂધસાગર ડેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. સાત વર્ષ પૂર્વે પરિવાર સાથે સોમનાથ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હતા, ત્યારે તેમના મકાનની સામે રહેતા અમૃત ઉર્ફે રાજુ કેશાભાઇ રાવળ (રહે. ટીબી રોડ) તેમના ઘરે અવારનવાર ચા-પાણી પીવા આવતો હોઇ તેમની પત્ની લતાબેન સાથે પરિચયમાં આવતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમની ગેરહાજરીમાં પણ તેમની પત્ની અમૃતભાઈને અવારનવાર મળવા જતી હતી.
પરંતુ છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ રાખવાનું ઓછું કરી દીધું હતું. આથી અમૃત ઉર્ફે રાજુ રાવળ અવારનવાર તેમના ઘરે આવી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. દરમિયાન, ગત બુધવારે સવારે 10:30 વાગે રાજેશભાઈ સામાજિક કામે અમદાવાદ ગયા હતા અને ત્યાં રોકાયા બાદ ગુરુવારે સવારે પરત આવી રહ્યા હતા, ત્યારે તેમની દીકરી પ્રિયંકાએ ફોન કરી રાજુ ઉર્ફે અમરતભાઈ રાવળ તેમના ઘરે આવ્યો હતો અને એની મમ્મી લતાબેન તેની સાથે ગયા હોવાનું જણાવ્યું હતું.
લતાબેન અવારનવાર અમૃત સાથે જતી રહેતી અને એકાદ-બે દિવસ બાદ ઘરે પરત આવી જતી હોઇ રાજેશભાઈ પોતાના ઘરે બાળકો સાથે સૂઈ ગયા હતા. શુક્રવારે સવારે 8 વાગે તેઓ નોકરી ગયા હતા, ત્યારે તેમને ફોન દ્વારા જાણવા મળ્યું હતું કે, ટીબી રોડ ખાતે એક લાશ પડી છે જે તેમની પત્ની છે.
તેઓ રજા મૂકીને ટીબી રોડ ખાતે પહોંચતા ત્યાં અમૃતભાઈના છાપરામાં ખાટલા ઉપર તેમની પત્નીની લાશ પડી હતી. પોલીસને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પેનલ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરતાં મૃતક લતાબેનના પ્રેમી અમરત ઉર્ફે રાજુ રાવળે જ બોથડ હથિયારથી તેણીની હત્યા કરી હોવાનું બહાર આવતાં પોલીસે રાજેશભાઈ મકવાણાની ફરિયાદ આધારે અમૃત ઉર્ફે રાજુ કેશાભાઈ રાવળ સામે હત્યાનો ગુનો નોંધી તેને હસ્તગત કરી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
પગ, પંજો, મોઢાના ભાગે જીવલેણ ઇજાઓ કરી
પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરનાર અમૃત રાવળ લતાબેનને પોતાની સાથે છાપરામાં લઈ ગયો હતો, જ્યાં બંને વચ્ચે થયેલી તકરારમાં બોથડ હથિયારથી જ તેના ઉપર જીવલેણ હુમલો કરી પગના ભાગે, પંજાના ભાગે તેમજ મોઢાના ભાગે જીવલેણ ઇજાઓ કરી તેની હત્યા કરી હોવાનું બી ડિવિઝનના ઇ. પીઆઇ એમ.પી. ચૌધરીએ જણાવ્યું હતું.