લીંબડી તાલુકાના નટવરગઢ ગામના યુવાન પર કૌટુંબીક ભત્રીજાએ તથા તેના બે મિત્રો ત્રણેયે ભેગા મળીને લોખંડના પાઈપ તથા ઢીકાપાટું વડે હુમલો કર્યો હતો. યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ બનાવ અંગે લીંબડી પોલીસે મારમારનાર ભત્રીજા તથા તેના બે મિત્રો સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. નટવરગઢ ગામે રહેતાં વિષ્ણુભાઈ દેવજીભાઈ દોદરીયાનો કૌટુંબીક ભત્રીજો રાહુલભાઈ રમેશભાઈ દોદરીયા જે ઘણા સમયથી તેમના પત્ની જયશ્રીબેનને આવતાં જતાં હેરાન પરેશાન કરતો હતો. આઠેક દિવસ પહેલા તેમનાં પત્ની નટવરગઢ ગામની સીમમાં આવેલા શક્તિ માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા તે સમયે રાહુલે તેમને ત્યાં પણ હેરાન પરેશાન કર્યા હતા.જેથી કરીને વિષ્ણુભાઈ રાહુલના ઘેર સમજાવા માટે ગયા હતા. જે વાતનું મનદુ:ખ રાખીને તેમનાં કૌટુંબિક ભત્રીજો કિરણ દોદરીયા તથા તેના મિત્રો વિજયભાઈ કોળી રહે. મોજીદડ તથા અન્ય અજાણ્યો શખ્સ ત્રણેય ભેગા મળીને લોખંડના પાઈપ તથા ઢીકાપાટુ વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે વિષ્ણુભાઈને ઈજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે વિષ્ણુભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.