પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસેની હોટલ સામે જાહેર રોડ પરથી વિદેશી દારૂની 276 બોટલો સાથેની કાર ઝડપાઇ હતી. જ્યારે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ થયો હતો. જેમાં બજાણા પોલીસ વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂ. 2,63,600નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસેની શીવ શક્તિ હોટલ સામે જાહેર રોડ પર શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની ગાડીને આંતરીને ઉભી રખાવવા છતાં કારચાલક ગાડીને હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા કારચાલક ગાડી મૂકીને ફરાર થઇ જવામાં સફળ થયો હતો. બાદમાં બજાણા પોલીસે ગાડીની સઘન ચેકીંગ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતુ. બજાણા પોલીસે ચેકીંગ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- 276 કિંમત રૂ. 63,600 અને સફેદ કલરની ટાટા કંપનીની કાર કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,63,600નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, ગોવિંદભાઇ ભરવાડ, નરેશભાઇ મેર, કિશોરભાઇ પારઘી અને ભૂપતભાઇ દેથળીયા સહિતનો બજાણા પોલીસનો સ્ટાફ હાજર હતો. બજાણા પોલીસ કુલ રૂ. 2,63,600નો મુદામાલ ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.