મહેસાણા : મહેસાણા શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટસાય સમયથી રૂ. ૧૦નો સિક્કાનો RBI નિયમોનુસાર લીગલ ટેન્ડરમાં સમાવેશ હોવા છતાં કેટલાક વિક્રેતાઓ તેમજ બેન્કો તરફથી અસ્વિકાર કરાતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. આ મામલો મહેસાણામાં કલેકટર કચેરીએ મળેલી જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પણ ઉછળ્યો હતો. જેમાં રૂ. ૧૦ના સિક્કાનો અસ્વીકાર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની લીડબેન્કના મેનેજરે ચીમકી ઉચ્ચારી હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં મહેસાણાના MLA મુકેશભાઈ પટેલે રૂ. ૧૦નો સિક્કાનો મોટાભાગે અસ્વીકાર થતો હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કેટલીક બેન્કો પણ અગમ્ય કારણોસર રૂ. ૧૦ સહિતના લીગલ ટેન્ડર સિક્કા સ્વીકારવામાં આનાકાની કરતી હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે બેઠકમાં ઉપસ્થિત મહેસાણાના લીડબેન્ક મેનેજરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ. ૧, રૂ. ૨, રૂ. ૫, રૂ. ૧૦ અને રૂ. ૨૦ના સિક્કા વિવિધ ડિઝાઈનમાં જારી કર્યા છે અને આ તમામ સિક્કા લીગલ ટેન્ડર હોઈ આર્થિક વ્યવહાર માટે સ્વીકાર્ય હોય છે.
ઉપરોક્ત ફરિયાદના નિવારણ માટે તમામ બેન્કોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમોનું ચૂસ્તપણે પાલન કરી ગ્રાહકો પાસેથી ચલણી સિક્કા સ્વીકારવા માટે લીડબેન્ક મેનેજરે નિર્દેશ આપ્યા છે. આ અંગે જે બેન્ક RBIના નિયમનો ભંગ કરશે તેમની સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે રૂ. ૧૦ના સિક્કા ચાલતા ન હોવાની કોઈ પણ અફવા અથવા ખોટી માહિતીઓ પર વિશ્વાસ ન કરવા લોકોને અપીલ કરાઈ હતી. લીગલ ટેન્ડર પૈકી રૂ. ૧૦ના સિક્કાઓનો વધુમાં બેન્ક સહિત આર્થિક વ્યવહારોમાં ઉપયોગ થાય તે માટે જનજાગૃત્તિ લાવવા પર ભાર મુકાયો હતો.