જિલ્લા ગ્રાહક અદાલતે અપાવ્યો ન્યાય, ડીસા ની આદર્શ બેંકને 2 લાખ 10 હજાર 831 રુપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કર્યો હુકમ..

ગ્રાહક પાસેથી ડિપોઝિટ લઇ પાકતી મુદતે સારા વ્યાજ ની લાલચ આપી નાણાં ચૂકવવામાં મનમાની કરતી ધી આદર્શ ક્રેડિટ કોપરેટીવ બેંક લિમિટેડ ને ગ્રાહક અદાલતે લપડાક મારી છે, અને ગ્રાહકને મૂળ રકમ નવ ટકા વ્યાજ અને ફરિયાદ ખર્ચ તેમજ માનસિક ત્રાસની રકમ ચૂકવવા નો હુકમ કર્યો છે..

ફરિયાદ ની વિગતો મુજબ વર્તમાન માં ઘી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ કે જે પૂર્વમાં ડીસા નાગરિક સહકારી બેંક લિમિટેડ તરીકે ઓળખાતી હતી, ત્યારે ડીસા નાગરિક સહકારી બેંક લિમિટેડે લખપતિ ઓટોમેટીક રીન્યુઅલ બોન્ડની સ્કીમ જાહેર કરેલી, જે સ્કીમ અંતર્ગત રૂપિયા 5000 ના રોકાણ ઉપર 25 વર્ષના રોકાણ કર્યા બાદ ગ્રાહક ને 2 લાખ 10 હજાર 831 રુપિયા આપવાનો વાયદો કરવામાં આવેલો, અને તેવો જ વચન અને ભરોસો આપતાં વાવ તાલુકાના ચારડીયા ગામે રહેતા હઠાભાઈ રણછોડભાઈ રાજપૂતે પોતાની સગીર દીકરી પાર્વતી બેન ના નામે વર્ષ 1996 માં પાંચ હજાર રુપિયા નું રોકાણ કર્યું હતું અને બોન્ડ લીધા હતા, ત્યાર બાદ વર્ષ 2021માં બોન્ડની મુદત પાકતાં ગ્રાહક હઠાભાઈ ધી આદર્શ ક્રેડિટ કો-ઓપરેટીવ બેંકની ડીસા ની મેઇન બ્રાન્ચમાં સદર બોન્ડ લઈને ગયા હતા અને પાકી ગયેલ રકમ 2,10,831 ની માંગણી કરી હતી..

પરંતુ કોપરેટીવ બેંકે નાણાં ચૂકવવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધેલો અને જણાવેલું કે નાગરિક બેંક હવે બંધ થઈ ગઈ છે, જેથી તમને નાણાં મળશે નહીં, ગ્રાહક હઠાભાઇએ પોતાની સગીર દીકરી પાર્વતી બેન ના ભવિષ્ય માટે કરેલ રોકાણ વ્યર્થ જતાં અને કો-ઓપરેટીવ બેંકે નાણા ચુકવવાથી ઇન્કાર કરતાં હતાશ અને નિરાશ થયેલા ગ્રાહક હઠાભાઇએ ગુજરાત રાજ્યની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ અને ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર ભાઈ દવે ને રૂબરૂ મળી પોતાની આપવીતી બતાવી લેખિત ફરિયાદ આપી હતી..

જે ફરિયાદને ગંભીરતાથી લઈ નોટીસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા એ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ નંબર 163/2022 થી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ડીસા શાખા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી..

જે ફરિયાદ ગ્રાહક અદાલતમાં ચાલી જતાં અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા ની ધારદાર દલીલોને માન્ય રાખી બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત ના પ્રમુખ એ.બી.પંચાલ, સભ્ય બી.જે.આચાર્ય અને એમ.એ.સૈયદ ની જ્યુરીએ સમગ્ર કેસને ગંભીરતા પૂર્વક જોઈ ગ્રાહક તરફી હુકમ ફરમાવ્યો છે, જિલ્લા ગ્રાહક અદાલતે ફરિયાદી ગ્રાહકની પાકતી રકમ 2 લાખ 10 હજાર 831 ઉપરાંત 9 ટકા વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે રૂપિયા 2500 ચૂકવી આપવા હુકમ કર્યો છે..