ડીસામાં બનાસપુલ પર ફરી એકવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સામસામે બે ટ્રકો ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પંજાબના રહેવાસી એક ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ડીસામાં બનાસપુલ પર મોડી રાતે બે ટ્રકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અને બે ટ્રક વચ્ચેના કાટમાળમાં બંને ટ્રકના ચાલકો ખરાબ રીતે ફસાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. કટર મશીન અને ક્રેનની મદદથી બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ ફસાયેલા બંને ટ્રક ચાલકોને બહાર નીકાળ્યા હતા. લોહી લુહાણ હાલતમાં બંને ટ્રક ચાલક અને ક્લીનર સહિત ચાર લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેઓને વધુ સારવાર માટે પાલનપુર લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં રસ્તામાં પંજાબના રહેવાસી એક ટ્રક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. જેથી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી તેના વાલી વરસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં બનાસ પુલ પર આવેલો જુનો પુલ જર્જરીત અને ભયજનક હોવાથી છેલ્લા દોઢ વર્ષથી એક તરફના પુલ પર ટ્રાફિક વન-વે કરાયો છે. જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે નવા બની રહેલા પુલની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માગ છે. વાહન ચાલકો પણ સાવચેતી પૂર્વક પુલ પર વાહન હંકારે તેવી તંત્રએ લોકોને અપીલ કરી છે.