સમગ્ર વિશ્વમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા G-20ની 'One Earth, One Health'ની થીમને ધ્યાનમાં રાખીને "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય"ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ. યોગ ભારત દેશ પૂરતાં જ સીમિત ન રહે એનો વ્યાપ સમગ્ર સમગ્ર વિશ્વમાં ફેલાય એવા હેતુથી 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાવાળો દેશ છે. યોગના માધ્યમથી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુનાઇટેડ નેશન્સની મહાસભામાં એક પ્રસ્તાવ મૂકી લોકોને યોગનું મહત્વ સમજાવ્યું. આ પ્રસ્તાવ સાથે વિશ્વના 193 દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો. ત્યારથી 21જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં યોગ દિવસની શરૂઆત થઈ અને છેલ્લા નવ વર્ષથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે..આ યોગ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, પોલીસ અધિક્ષક હરેશ દુધાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી સર્વ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા