બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને રૂ. ૨૨.૪૫ લાખની કેશડોલ્સ સહાય ચુકવાઇ..

                                   

કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનાવાલની સુચના પ્રમાણે ૧૪૪ સર્વે ટીમોએ ગણતરીના દિવસોમાં ૯,૪૧૨ અસરગ્રસ્તોને ઘેર ઘેર ફરીને કેશડોલ્સની સહાય ચુકવી..

                                  

બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદમાં બનાસકાંઠા જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનાવાલના નેતૃત્વમાં જિલ્લા વહીવટીતંત્રના આગોતરા આયોજનનના પગલે કાચા અને પતરાવાળા મકાનો તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું તંત્ર દ્વારા અગાઉથી સ્થળાંતર કરીને સલામત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો. જેના લીધે મોટી જાનહાનિ અને નુકશાન નિવારી શકાયું છે.

 બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧૭,૭૯,૬૬૦/- અને નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૪,૬૫,૮૨૦/- મળી કુલ રૂ. ૨૨,૪૫,૪૮૦/- ની કેશડોલ્સ સહાય ચુકવાઇ છે. કલેક્ટરશ્રીની સુચના પ્રમાણે જિલ્લામાં કુલ ૧૪૪ સર્વે ટીમોએ ગણતરીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૭,૪૭૫ અને નગરપાલિકા વિસ્તારમાં ૧૯૩૭ અસરગ્રસ્તો મળી કુલ- ૯,૪૧૨ અસરગ્રસ્તોને ઘેર ઘેર ફરીને કેશડોલ્સની સહાય ચુકવવામાં આવી છે. સરકારશ્રીએ નિયત કરેલ ધારાધોરણ પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ લેખે અને સગીરવયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૬૦ પ્રમાણે પાંચ દિવસની કેશડોલ્સ સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાઇ છે.