કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી પાલનપુરની જિલ્લા જેલમાં પરિવર્તન ગ્રુપ દ્વારા સતત સાત વર્ષથી યોગ શિબિરનું આયોજન કરાય છે..

        

જેલમાં રહેલ કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી પાલનપુરની જિલ્લા જેલમાં પરિવર્તન ગ્રુપ, પાલનપુર દ્વારા સતત સાત વર્ષથી ત્રિ-દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ યોગ શિબિરમાં જેલમાં રહેલા કેદીઓના જીવનમાં માનસિક અને શારીરિક શાંતિ તથા બદલાવ આવે એવા શુભ આશયથી આયોજન કરવામાં આવે છે. ત્રિદિવસીય શિબિર પછી એમાંથી યોગ શીખનાર કેદી સમગ્ર વર્ષ દરમિયાન બીજા કેદીઓને યોગ કરાવતા હોય છે. 

          આ વર્ષે યોગ શિબિરના બીજા દિવસે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે ઉપસ્થિત રહી કેદીઓને હકારાત્મક જીવન શૈલી અને યોગથી થતાં ફાયદાઅ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય શાસ્ત્રો પ્રમાણે જીવન જીવવાની રીત ખુબ ઉચ્ચ કોટીની છે અને તે મુજબ જીવન જીવવાથી ખુબ બધી સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકાય છે. ધારાસભ્યશ્રીએ પરિવર્તન ગ્રુપ દ્વારા થતાં પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા. 

           આ શિબિરમાં હાઇકોર્ટના એડવોકેટ અને પરિવર્તન ગ્રુપના ચેરમેનશ્રી મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે આખું વિશ્વ યોગ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમે છેલ્લા સાત વર્ષથી પાલનપુરની જિલ્લા જેલમાં ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરીએ છીએ અને કેદીઓને માનસિક શાંતિ માટે યોગની ખુબ જરૂર પણ હોય છે. કેદીઓ સજા પુરી કરીને જેલમાંથી બહાર આવીને સમાજ વચ્ચે એક શ્રેષ્ઠ જીવન જીવે એ જ અમારો આશય છે. 

          આ યોગ શિબિરમાં જેલ અધિક્ષકશ્રી પી. વી. ગોહિલ સહિત જેલના અધિકારીઓ અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.