કડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી સતત કથળી રહી છે. ચોરી, લૂંટ, મારમારી અને હત્યા જેવી ઘટનાઓ તો જાણે સામાન્ય બની ગઈ હોય તેમ ગોનેગારો આવી ઘટનાઓને અંજામ આપે છે. ત્યારે વધુ એક લૂંટનો કિસ્સો કડીમાં સામે આવ્યો છે. ગતરાત્રિએ માર્કેટ યાર્ડ નજીક જાહેર રસ્તા પર બે લૂંટારાઓ બાઇક પર આવીને પેટ્રોલ પંપના માલિક પાસેથી બે લાખ ભરેલી બેગ આંચકીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ અંગે પેટ્રોલ પંપના માલિક સતિષ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કડીના સતીષ પટેલ કે જેઓ જાસલપુર ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને મૂળ ભટાસણ ગામના વતની છે અને તેમની પત્ની મનીષાના નામે વિઠલાપુર વારાહી પેટ્રોલ પંપ ચલાવી રહ્યા છે. રાત્રિના સમયે પેટ્રોલ પંપનો હીસાબ કિતાબ પતાવી રોકડ રકમ લઈ આઠ વાગ્યે કડીની શિવશક્તિ સોસાયટી પાસે આવેલા અનાજ માકેટ પાસે ઉભા હતા અને પોતાના ડ્રાઈવર સાથે વાત કરી રહ્યા હતા, તે દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ અંધારામાં આવી સતીષ પટેલના હાથમાં રહેલો રૂપિયા બે લાખથી વધુની રકમનો થેલો ઝુટવી લઇ ફરાર થઈ ગયા હતા. આ ચોરીની સમ્રગ ધટના આસપાસ રહેલા કેમેરામાં કેદ થતા પોલીસે CCTV મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સમ્રગ ઘટનાની માહીતી માટે પોલીસ સબ ઇન્સપેક્ટર જોંગીન્દરસીંહ ગેહલોત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જાહેર રોડ પર ખુલ્લેઆમ વેપારી પાસેથી રોકડ રકમનો થેલો આંચકી લેવાની ધટના સામે આવી છે. હાલ રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્તમાં હોવા છતાં અમે જમવાના સમયમાં સ્થળ ઉપર પહોચી CCTVના ફૂટેજ મેળવી લીધા છે. આસપાસનો લોકોને મળી અજાણ્યા આરોપીઓની ઓળખની વિગતો મેળવી રહ્યા છે. આ કેસમાં કડી અને LCBની ટીમ તપાસ કરી રહી છે.