રાજ્યના અનેક શહેરોમાં ડોક્ટરની ઓળખ આપી આશ્રમોમાં દાન કરવાનું કહી વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા વઢવાણના રહેવાસી બે આરોપીઓ પકડાયા હતા. જેમાં પોલીસે રૂ. 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સ્ટેશનના ગુનાઓ શોધવા માટે પીએસઆઈ જી.કે.ચાવડાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસથી ગુનાઓ શોધવા જરૂરી પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન ચોક્કસ બાતમીને હકીકતના આધારે અનંતરાય મણિશંકર દવે અને ભક્તિરામ પરસોતમભાઈ સરવાડિયા ( બંને રહે-વઢવાણ જિ. સુરેન્દ્રનગરવાળા ) આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓએ રાણપુર, હળવદ, વડોદરા શહેરમાં 5થી 7, બરવાળા અમદાવાદ શહેરમા ચારથી પાંચ, આણંદ, વલભીપુર, બોટાદ, રાધનપુર, ખંભાત, પાટણ, કડી, કલોલ, સુરત, વલસાડ, નવસારી પાદરા, સાવલી, ડભોઇ, વાઘોડિયા, જંબુસર સહિત ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના અનેક ગુનાઓ આચરેલા હોવાની કબુલાત કરી હતી. આ બંને આરોપીઓ ડોક્ટર દીલીપભાઈ તથા ભરતભાઈ તરીકેની ઓળખાણ, જૈન દેરાસરમાં કે અનાથ આશ્રમ અને વૃધ્ધાશ્રમમાં દાન કરવાનું કહી વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હતા. આ આરોપીઓ પાસેથી કુલ રૂા. 44,228નો કરિયાણાનો માલસામાન કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.