પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની માંગ સાથે નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . વહેલી તકે આ સુવિધા મળે તેવી માગણી છે . ખેડૂતોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે , પંચાસર ગામની સીમમાં શિયાળી તળાવ સર્વે નંબર -129 આવેલ છે . જ્યાંથી પેટા કેનાલ નીકળે છે . જે તળાવથી માત્ર 600 થી 800 ફૂટ જેટલી દૂર છે . શિયાળી તળાવમાં નર્મદાના પાણી ભરવામાં આવે તો અંદાજે 500 થી 600 વિઘા જમીનમાં પિયત થઈ શકે છે . વધુમાં જો પેટા કેનાલને તળાવ સાથે જોડવામાં આવે તો ખેડૂતોને લાંબી લાઇનો અને ખર્ચમાંથી બચત થાય તેમ છે . જેથી સત્વરે આ લાઈનનું તાત્કાલિક જોડાણ કરવા માટે અમારા બધા ખેડૂતોની માંગ છે પંચાસર ગામના ખેડૂતો કાનજીભાઈ ગોહિલ અને સુરેશભાઈ ગોહિલ સહિત અન્ય ખેડૂતોની રજૂઆત છતાં નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લીધે ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . તંત્ર દ્વારા સત્વરે નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની કામગીરીની મંજૂરી આપીને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે