ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું, ખેતરોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા.....

સમગ્ર ગુજરાત માટે આફત બનીને આવેલા બિપરજોય વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં પણ વાવાઝોડા અને વરસાદના પગલે મોટા પાયે તારાજી સર્જાઈ છે. હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ત્યારે હાલમાં તારાજીના આકાશી દૃશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત ભારે પવનના કારણે લોકોના ઘરો, પશુઓના શેડ, કોલ્ડ સ્ટોરેજના સેડ સહિતના પતરા ઉડી જવા પામ્યા છે. તેમજ હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં વીજપોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ જવા પામી હતી.