ડીસામાંથી આજે વધુ બે બાઈક ચોર ઝડપાયા છે. શહેર દક્ષિણ પોલીસે ડીસામાંથી જ બાઇક ચોરી કરનાર બે યુવકોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઇ પોલીસ પણ સતર્ક બની છે અને વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા માટે અથાગ પ્રયાસો શરૂ કર્યા છે. જે અંતર્ગત આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ રિસાલા બજાર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ બાઈક પસાર થતા તેને થોભાવી તલાસી લેતા તે ચોરીનું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બાઈક સવાર બંને યુવકોની અટકાયત કરી હતી.
પ્રાથમિક તપાસ કરતા બાઇક સવાર બંને યુવક ડીસાના કૂંપટ ગામનો મહેન્દ્રસિંહ સોલંકી અને માલગઢ મોટી ઢાણી ગામનો વિપુલ ઠાકોર હોવાનું જણાયું હતું અને આ બંને શખ્સો ડીસાના ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી ફરતા હતા. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીના બાઈક સાથે બંને યુવકોની અટકાયત કરી હતી અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.