કડી શહેરના કરણ નગર રોડ ઉપર રહેતા અને નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને લઇ સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી અને કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.
કડીના કરણનગર રોડ પર આવેલા આશુતોષ નગર સોસાયટીમાં રહેતા ચેતન રમેશભાઈ પ્રજાપતિએ કેલાલમાં કૂદી આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. ચેતન પ્રજાપતિ કડીના અંદર આવેલા અને કુટુંબી ભાઈના બ્રહ્માણી પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ચેતન શુક્રવારે ઘરેથી પોતાની નોકરી માટે નીકળ્યો હતો અને બપોરે જમવા માટે પોતાના ઘરે આવ્યો હતો અને બપોર બાદ નોકરી ઉપર ગયો ન હતો. જે બાદ બ્રહ્માણી પ્રિન્ટિંગ પ્રેસમાં ન પહોંચતા કૌટુંબિક ભાઈએ ચેતનને ફોન કર્યો હતો કે તું ક્યાં છે અને હજુ સુધી કેમ પ્રેસ ઉપર આવ્યો નથી. જે બાદ તેણે કહ્યું કે, હું અત્યારે કેનાલ ઉપર છું. તેમ કહીને ફોન મૂકી દીધો હતો. જ્યાં ચેતન પોતાનું બાઈક કેનાલ ઉપર મૂકી કેનાલમાં કુદી પડ્યો હતો.
જે બાદ બ્રાહ્મણી બિલ્ડીંગ પ્રેસના કૌટુંબીક ભાઈએ ચેતન પ્રજાપતિના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું. પરિવારજનો કડીના રોડ ઉપરથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પાસે આવી પહોંચ્યા હતા. જ્યાં ચેતનનું બાઈક મળી આવ્યું હતું અને માલુમ થયું હતું કે, ચેતને કેનાલમાં કૂદી આત્મહત્યા કરી છે. જે બાદ યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી રાત સુધી યુવકની કંઈ ભાળ મળી ન હતી. જે બાદ શનિવારે યુવકની લાશ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવી હતી અને કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી લાશનો કબજો મેળવી કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી હતી. વધુ કાર્યવાહી હાથ ધરી હતી.