કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી વાહનોની ચોરીમાં વધારો જોવા મળી રહ્યો છે. કડીના કરણનગર વિસ્તારમાં પાંજરાપોળ રોડ નજીક આવેલા ફ્લેટની નીચે પાર્ક કરેલું બાઈક ગઠિયો ઉઠાવી ગયો હતો. જ્યાં બાઈકના માલિકે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી.

કડીના કરણનગર વિસ્તારમાં પાંજરાપોળ રોડ નજીક આવેલા રાજદર્શન ફ્લેટમાં રહેતા મિલન પટેલ પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. મિલનભાઈએ 2013ની સાલમાં બજાજ કંપનીના પ્લેટિના બાઈકની ખરીદી કરી હતી અને વપરાશ કરતા હતા . તે દરમિયાન તેમનું બાઈક ફ્લેટની નીચે પાર્ક કરીને ઘરે ગયા અને ગઠિયો બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મિલનભાઈએ ફ્લેટની નીચે અન્ય જગ્યાએ તેમજ આજુબાજુ તપાસ કરતાં પોતાનું બાઈક ન મળી આવતા તેઓએ પોતાના ફ્લેટમાં લગાવેલા CCTV કેમેરામાં ચેક કર્યું હતું. જ્યાં સીસીટીવીમાં બાઇક ચોરીની સમગ્ર ઘટના નજરે પડી રહી હતી અને એક ગઠિયો થોડીક મિનિટોમાં બાઈકની આજુબાજુ મોબાઈલ ઉપર વાત કરતો કરતો નજરે પડી રહ્યો હતો અને થોડાક જ સમયમાં બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ લઈને ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.