અમદાવાદમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં સૃષ્ટિએ ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ઓપન કેટેગરીની સ્પર્ધામા સૃષ્ટિએ સૌથી નાની ઉંમરે સિદ્ધિ મેળવી

હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વિવિધ રમતવીરો અલગ અલગ કક્ષાએ મેડલ મેળવી દેશનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે પાટણની બાળ સ્વિમર તરીકે નામના મેળવેલી સૃષ્ટિ પટેલે અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્ર કક્ષાની ઓપન સ્વિમિંગ સ્પર્ધામાં સૌથી નાની ઉંમરે ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પોતાનું નામ અંકિત કરી સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત રાજ્ય ઓલિમ્પિક એસોસિયેશન સંલગ્ન ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે 63 મી સિનિયર ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ 2022  ઓપન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં પાટણની બાર વર્ષની સૃષ્ટિ દીક્ષિતભાઈ પટેલે સૌથી નાની ઉંમરે  કુલ ત્રણ ગોલ્ડ મેડલ ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.સૃષ્ટિ પટેલ અગાઉ પણ સ્વિમિંગ ની વિવિધ સ્પર્ધાઓમાં, ખેલ મહાકુંભમાં તેમજ રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલી આ  ઓપન સ્પર્ધામાં તેણે વધુ સાત મેડલ મેળવી સૌથી નાની ઉંમરે પોતાની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેર્યુ છે અને આગામી નેશનલ કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પોતાનું નામ અંકિત કર્યું છે.આગામી નેશનલ ગેમ્સનું પ્રતિનિધિત્વ પણ ગુજરાત કરવાનું છે જે નેશનલ સ્પર્ધા રાજકોટ ખાતે યોજાશે.

સૃષ્ટિ પોતાની માતા દીપ્તિબેન અને પિતા દીક્ષિતભાઈના પ્રોત્સાહનથી તેમજ તેણીના કોચ કમલેશ નાણાવટીના માર્ગદર્શન હેઠળ સતત નવા નવા શિખરો સર કરી રહી છે. તેણીનું સ્વપ્ન આગામી સમયમાં એશિયાડ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમમા પ્રતિનિધિત્વ કરવાનું છે.

સૃષ્ટિ પટેલે મેળવેલ મેડલ

400 મીટર ફ્રી સ્ટાઇલ, 4 બાય 100 મીટર મિડલે, 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ માં ગોલ્ડ મેડલ

400 મીટર  મિડલે, 200 મીટર બટરફ્લાય, 100 મીટર બટરફલય મા સિલ્વર

200 મીટર મિડલે મા બ્રોન્ઝ..