ભારતીય સંસ્કૃતિમાં દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ઘર આંગણે રમકડાંઓને રમાડતી દિકરી આંખોના સામે પળવારમાં મોટી થઈ જાય છે. ઘરના આંગણે અગ્નિની સાક્ષીએ સોળે સંસ્કારે સજેલી દિકરીને સોના,ચાંદીના કન્યાદાન કરી વિદાય આપીને સુના રોતા માંડવડામાં એકલો ઉભો રહી દિકરીના શુભ જીવનની ઝંખના રાખતો દિકરી વગરનો એક ખેડૂત પિતા ગામની દિકરીઓને અનોખી રીતે કન્યાદાન આપીને પોતાના અધૂરા કોડ પુરા કરવાની સાથે ગૌ શક્તિનું જતન કરી રહ્યો છે.
વાત છે સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના ચોટાસણ ગામના ગૌભક્ત રાકેશભાઇ બેચરભાઇ પટેલ જેઓ ૫૦ જેટલી દેશી ગૌ શળા બનાવીને પ્રાકૃતિક ખેતી થકી ગાયોની પુજા અર્ચના કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે વર્ષ ૨૦૧૪ માં હાથમાં ૧૫૦૦ જેટલી મામુલી રકમ થકી ગાયમાતાના આશિર્વાદથી ઘરમાં પાંચ દિવસની ગૌ કથાનું આયોજન કરાવ્યું અને તે પાંચ દિવસોમાં બીજી પાંચ ગાયો ખરીદી. અત્યારે નાના વાછરડાથી માંડી ૫૦ જેટલી દેશી ગાયો છે. જેમાં હાલ ૧૫ જેટલી ગાયો દૂધ આપે છે.શુધ્ધ જીવનશૈલી અર્થે દેશી ગાયના દૂધમાંથી હું શુધ્ધ ઘી બનાવીને નજીવી કિંમતે વેચાણ કરું છું. મહિને લગભગ ૩૦ થી ૪૦ કિલો ઘીનું વેચાણ થાય છે. અમારે ત્યાંથી ઘી છેક તમિલનાડૂ, નાંદેલા,મુંબઈ અને રાજસ્થાન સુધી લોકો લઈ જાય છે. વળી, હું ૩ એકર જમીનમાં દેશી ગાયના ગોબરથી મરચાં,ભીંડા,ગવાર, રિંગણ જેવી શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરું છું.
તેઓ વધુમાં જણાવે છે કે હું એ અભાગીયો બાપ છું કે જેને દિકરી નસીબ નથી. આથી હું ગામની જે દિકરીના લગ્ન હોય તે દિકરીના અગ્નિ કુંડમાં હોમ માટે દેશી ગાયનું ઘી દાનમાં આપુ છું. તેમજ દેશી ગાયના ગોબરમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ આશિર્વાદ રૂપે આપુ છું. જેથી દિકરીનું આવનાર જીવન વિઘ્ન વગર સુખેથી પસાર થાય. વળી, ગામની સગર્ભા દિકરીને બે ટાઇમ દેશી ગાયનું દૂધ અને ઘી નિ:શુલ્ક આપી દિકરીની ઝંખનાનો કોડ પુરો કરી રહ્યો છું. દિકરીને આપેલા દેશી ગાયના દૂધ અને ઘી થી આવનાર બાળક તદુંરસ્ત અને અને ગર્ભમાં જ બાળકને ભારતીય મુલ્યોનું સંવર્ધન થઈ સંસ્કારવાન બનશે તેવુ માનુ છું. તેમજ કોઇ વ્યક્તિને દવા માટે દેશી ગાયના ઘી ની જરૂરીયાત હોય તો તે પણ નિ:શુલ્ક આપુ છું.લોકો કથામાં જઈને દેશી ગાયની પૂજા વિધી કરતા હોય છે પણ રાકેશભાઇ તો પોતાના તબેલામાં દરરોજ બે ટાઇમ દેશી ગાયના ગોબર અને ઘીનો યજ્ઞ કરીની ગાયોની પુજા કરે છે.
હાલના સમયમાં રાકેશભાઇ અને બીજા અન્ય ખેડૂત મિત્રો મળી ૨૦ જેટલા વાહનોના કાફલા સાથે ગૌ પર્યાવરણ આધ્યાત્મિક ચેતના યાત્રા થકી પ્લાસ્ટિક મુક્ત ભારત, ગૌ હત્યા અટકાવવાના સંકલ્પ સાથે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છીએ.અને લોકોને દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી માટે જાગૃતી ફેલાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચોટાસણના રાકેશભાઇ ચૌધરી દેશી ગૌ શાળા અને પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલશ્રીના હસ્તે જિલ્લા કક્ષાએ “બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ” મળેલો છે. આજના આધુનિક યુગમાં જ્યા લોકો રાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના છંટકાવમાં પળોવાઈ લોકોના સ્વસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે ભારતીય મૂલ્યોને સાચા અર્થે સાર્થક કરી ગૌ શક્તિનું જતન કરી રહેલા રાકેશભાઇ લોકો માટે પ્રેરણારૂપ છે.