મહેસાણા, કડી ઊંઝા અને નંદાસણ શહેરોમાં પોતાની નાઈટ ડ્‍યુટી દરમિયાન ગેરહાજર તેમજ લાઠી, સિટી સહિતના પોતાના સાધનો વિના મળી આવેલા 50 જીઆરડી જવાનને નામ કમી કરી ડિસમિસ કરવાનો હુકમ એસપીએ કરતા પોલીસ બેડામાં હડકંપ મચ્‍યો હતો. પ્રોબેશન એસપી અને ડીવાયએસપીના નાઈટ સુપર વિઝનમાં જીઆરડીની પોલ ખુલી હતી.

મહેસાણા જિલ્લાના SP અચલ ત્‍યાગી ૧૩ જૂનના રોજ મહેસાણા શહેરમાં અને જિલ્લામાં ફરજ અર્થે મૂકવામાં આવેલા પ્રોબેશન આઈપીએસ વિવેક ભેડાએ ૧૪ જૂનના રોજ ઊંઝા શહેરમાં અને પ્રોબેશન ડીવાયએસપી ધુવલ સુતરિયાએ ૧૫ જૂનના રોજ નંદાસણ અને કડી શહેરમાં પોતાનું નાઈટ સુપર વિઝન હાથ ધર્યું હતું.

જેમાં મહેસાણાના વિવિધ વિસ્‍તારોમાં ૭ જેટલા ઊંઝાની વાત કરીએ તો પોલીસ સ્‍ટેશનથી માંડીને કામલી ચાર રસ્‍તા રામપુરા ચાર રસ્‍તા વાડીપરા ચોક સહિતના વિવિધ વિસ્‍તારોમાં રાત્રી દરમિયાન ફરજ બજાવતા ૨૬ જેટલા અને નંદાસણ તેમજ કડી શહેરના વિસ્‍તારોમાં ફરજ બજાવતા ૧૭ જી.આર.ડી જવાનો પૈકી મોટાભાગના ગેરહાજર હતા.

તમામ 50 GRD જવાનો સામે કાર્યવાહી કરવા માટે આઇપીએસ અને ડીવાયએસપી દ્વારા જિલ્લા પોલીસ વડાને નિયમ અનુસાર કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો હતો. જેને પગલે એસપી અચલ ત્‍યાગી દ્વારા આ તમામ 50 જીઆરડી જવાનોને નામ કમી કરીને ડિસમિસ કરવાનો ગઇ મોડી સાંજે હુકમ કર્યો હોવાનું એસપી અચલ ત્‍યાગીએ જણાવ્‍યું હતું.