મહેસાણા : વિસનગરમાં બેંક કરતા 20 ટકા વધુ વ્યાજ આપવાની લાલચ સાથે ખોટી કંપની ઉભી કરી લાખો રૂપિયાની છેંતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. જ્યાં ઠગ આરોપી પોસ્ટ વિભાગનું ખોટુ નામ આપી લોકોને કંપનીમાં રોકાણ કરાવી વધુ વ્યાજ આપવાની લાલચમાં આપતો હતો. જેના કારણે ફરિયાદી વધુ પૈસા કમાવવાની લહ્યામાં છેલ્લા પાંચ વર્ષથી આ રોકાણ કરી રહ્યા હતા. જ્યારે ફરિયાદીને પૈસાની જરૂરિયાત હોવાથી ઠગે પૈસા પરત ન આપતા ફરિયાદીને છેંતરપિંડીનો અહેસાસ થયો હતો. આ મામલે ફરિયાદીએ વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે ગાંધીનગરમાં પણ છેંતરપિંડીની ફરિયાદો સામે આવતા આ મામલે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમે તપાસ હાથધરી હતી. જેમાં 50 લાખ રૂપિયાની આરોપી જગદીશ ભટ્ટ છેંતરપિંડી આચારી ચૂક્યો હોવાની વાત સામે આવી છે.

બનાવની વિગત મુજબ ફરિયાદી શાંતાબેન પટેલ હાઉસવાઈફ છે.  થોડા સમય પહેલા તેમની વિસનગરમાં રહેતા જગદીશ ભટ્ટ નામના વ્યકિત સાથે મુલાકાત થઈ હતી. જ્યાં જગદીશ ભટ્ટે ફરિયાદીને પોસ્ટ ઓફિસ કામ કરતો હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ જગદીશ ભટ્ટ એક દિવસ ફરિયાદીને મળી પોસ્ટ ઓફિસની અલગ-અલગ સ્કીમોમાં રોકાણ કરશે તો બેન્ક કરતા 20 ટકા વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. જેને લઈ ફરિયાદી જગદીશ ભટ્ટની વાતોમાં આવી તેની કંપની એસ્પિનો ફિનવેસ્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં  જુલાઈ 2019થી ડિસેમ્બર 2023 સુધીમાં ટુકડે -ટુકડે 4, 95 હજાર રૂપિયા રોકાણ માટે રોકડા આપ્યા હતા જેના બદલામાં જગદીશ ભટ્ટએ ફરિયાદીને પાવતીઓ આપી હતી.

ફરિયાદ મુજબ ફરિયાદી છેલ્લા 5 વર્ષથી પૈસા તેના કંપનીમાં રોકી રહ્યા હતા. જેને લઈ તેને પૈસાની જરૂરિયાત હોવાથી વિસનગરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા લેવા માટે  જગદીશ ભટ્ટ દ્વારા આપવામાં આવેલી પાવતીઓ રજૂ કરી હતી. જેમાં પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે એપસીનો ફાઈનવેસ્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં કંપની એક ખાનગી કંપની છે. તેને પોસ્ટ ઓફિસથી કોઈ લેવા-દેવા નથી. જેથી ફરિયાદી જગદીશ ભટ્ટના ઘરે ગયા હતા. જ્યાં જગદીશ ભટ્ટે ફરિયાદીને ધુત્કારીને ભગાડી દીધા હતા. ફરિયાદીને છેંતરપિંડીનો અહેસાસ થતા તેમણે આ મામલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

એસ્પિનો ફિનવેસ્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં છેંતરપિડી થતી હોવાની ફરિયાદો ગાંધીનગરમાંથી પણ સામે આવતા આ મામલે ગાંધીનગર સી.આઈ.ડી.ની ટીમ તપાસ કરી રહી હતી. જ્યાં CIDના ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઠગ જગદીશ ભટ્ટે પોસ્ટ વિભાગનું ખોટુ નામ આપી પોતાની કંપનીમાં લોકો પાસેથી અત્યાર સુધી 50 લાખ રૂપિયાનું રોકાણ કરાવી છેંતરપિંડી આચારી છે. જેના પગલે આરોપી જગદીશ ભટ્ટ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.