દાંતા તાલુકાના મંડાલી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા લોકદરબાર યોજાયો હતો. જેમાં એસપી , ડીવાય એસપી અને એસીપી તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં હડાદ પીએસઆઈ અને મંડાલી આઉટ પોસ્ટના જમાદાર ધર્મેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંડાલી ગામ લોકો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફુલછડી તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોધસર ગ્રામપંચાયતના સરપંચે સાફો તેમજ તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા ગામના લોકો અને આગેવાનોને પડતી મુશ્કેલી વિશે જાણકારી આપી હતી.
સાઇબર ક્રાઇમ દ્વારા થતી છેતરપિંડી, સોશિયલ મીડિયાની લોભામણી સ્કીમો તેમજ અન્ય માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. વધુમાં સંભવિત વાવાજોડાના ખતરાથી કેવી રીતે બચવું તેમજ કોઈપણ મદદની જરૂર પડ્યે તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા પોલીસ વડા અને અધિકારીઓએ તમામ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો.