ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે છટકું ગોઠવી ધ્રાંગધ્રા ધ્રુમઠ હાઇવે પરથી વિદેશી દારૂની 424 બોટલો સાથે સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ દરોડામાં 3.03 લાખનો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા કાર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ યુ.એલ.વાઘેલા અને પીએસઆઇ બી.કે.મારૂડા સહિતનો પોલીસ સ્ટાફ ધ્રાંગધ્રા ધ્રુમઠ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી પાક્કી બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીનો ધ્રાંગધ્રા કોર્ટ હાઇવે પાસેના રોડથી માલવણ હાઇવે તરફ 40 કિ.મી.સુધી ફિલ્મી ઢબે પીછો કરતા યુટર્ન લઇ ધ્રાંગધ્રા તરફ રોડ ઉપર ટ્રાફિક હોઇ કાર ચાલક રસ્તામાં કાર મૂકીને ફરાર થઇ જવામાં સફળ થયો હતો.ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સ્વીફ્ટ કારની સઘન તલાશી લેતા કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઇ જવાતી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ચપલા અને બિયર ટીનના ડબલા મળી કુલ બોટલો નંગ- 424, કિંમત રૂ. 53,864 અને સફેદ કલરની સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 2,50,000 મળી કુલ રૂ. 3,03,864નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા કાર ચાલક સહિતના આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસના આ દરોડામાં પીઆઇ યુ.એલ.વાઘેલા, પીએસઆઇ બી.કે.મારૂડા, મહાવીરસિંહ ચૌહાણ અને નરેશભાઇ ભોજીયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઇ બી.કે.મારૂડા ચલાવી રહ્યાં છે.