લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોવાની રાવ ઉઠી રહી છે. ગુરૂવારે સતવારાની ભોજનશાળા પાસે મથુરાપરા વિસ્તારમાં રહેતા લોકો દારૂ બંધ કરાવવા પોલીસ મથકે દોડી આવ્યા હતા. દારૂડિયાઓ મહિલાઓ સામે નિર્વસ્ત્ર થઈ ગાળો બોલી હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસની ઢીલી નીતિને કારણે મથુરાપરા વિસ્તારમાં રહેતો હકા સાગર અને સોમા મગન દારૂનો વેપલો કરતા હોવાની રાવ કરી હતી. દારૂનો વેપલો બંધ કરાવી, દારૂ ઢીચનારાઓને પકડી પાડવા માંગ કરી હતી.લીંબડી પાલિકાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે ગુરૂવારે પોલીસ મથકે રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી થઈ હોય એવું લાગતું નથી. શુક્રવારે 2 શખ્સો સતવારા સમાજની ભોજનશાળા પાસે દારૂના નશામાં ધૂત થઈને પડ્યા હતા. પોલીસ વિભાગ ક્યાં અને શું કામ કરે છે તે જ સમજાતું નથી? અમારા વિસ્તારમાં દિનપ્રતિદિન દારૂડિયા, લુખ્ખા અને આવારા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો છે. મહિલાઓને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક પોલીસ દારૂનો વેપલો, લુખ્ખા, આવારા તત્ત્વો ઉપર અંકુશ લાવી શકે તેમ ન હોય તો અમારે જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા જવી પડશે.