ડીસાના ડોક્ટર હાઉસમાં રોડની અધુરી કામગીરીને લઈને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વારંવાર રજૂઆત બાદ પણ રોડની કામગીરી પૂર્ણ ન થતા અહીં આવતા દર્દીઓ સહિત હજારો લોકો હેરાન થતાં તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો.

ડીસા નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં રોડ રસ્તા અને ગટર સહિતના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. મોન્સુન પ્લાનિંગ અંતર્ગત પણ રસ્તા, ખાડાઓ કે ગટરોનું સમારકામ હાથ ધરાયું છે, પરંતુ ડીસાના હાથ સમાન ડોક્ટર હાઉસમાં અધૂરા રોડના કામે રોજના હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રોડનું કામ શરૂ કરાયા બાદ અધૂરું મૂકી દેતા દર્દીઓ સહિત તેમની સાથે આવતા અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કોન્ટ્રાકટર દ્વારા સ્વામી નારાયણ મંદિર પાસે જુનો રોડ ખોદ્યા બાદ આજદિન સુધી આ રોડની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ અને એમ્બ્યુલન્સ સહિત દર્દીઓના સગાઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. રોડ કોન્ટ્રાકટર દ્વારા ભુગર્ભ ગટરની ચેમ્બર પણ બહાર કાઢી અને ખુલ્લી મુકી દેવામાં આવી છે. જેના લીધે રાહદારીઓને ખુલ્લી ગટરમાં પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે.

જ્યારે ખોદેલા રોડની કામગીરીમાં હોસ્પિટલમાં આવતાં વાહનચાલકોના વાહનો ડિસ્કો કરતાં નજરે પડી રહ્યાં છે અને નાછુટકે દર્દીઓને ઉપાડીને હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબુર બની રહ્યા છે.

જેને લઇને હોસ્પિટલના તબીબો અને દર્દીઓના સગાઓ સહિત જાગૃત નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે ડોક્ટર હાઉસ વિસ્તારમાં પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી નવિનરોડ બનાવાની કામગીરી ચાલુ કરી દર્દીઓ અને વાહનચાલકોને પડતી હાલાકી દુર કરવામાં આવે તેવી લોકોની માંગ છે.