સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.આ ચોરીના બનાવમાં અંદાજે રૂ. 75 હજારના માલસામાનની ચોરી થઈ છે. જેમાં મોડી રાત્રે ચોરીનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. આ ચોરીની ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફે બનાવસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામા રોકડા રૂપિયા સાથે માલસામાનની પણ ચોરી થઇ છે.જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 'ઘર હો તો ઐસા' પરિસરમા શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં પુજારીએ રાત્રે આઠ વાગે રૂટીન મુજબ મંગલીક કરેલુ હતુ. બીજા દિવસે સવારે 5-30 કલાકે તેઓ દેરાસર જતા દરવાજા ખુલ્લા અને તાળા તુટેલા હતા. આથી તેમણે તુરંત જ પ્રમુખ જીજ્ઞેશભાઈ કોઠારીને જાણ કરતા જીજ્ઞેશભાઈ અને કમીટી મેમ્બરો દેરાસરે દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા ઓફિસના ટેબલનાં ખાનામાંથી રૂા.35,000 રોકડા, દાનપેટીમાંથી રૂા.25,000 રોકડા તથા અન્ય ભંડારના લોક તોડીને રૂા.15,000 રોકડા મળી કુલ રૂા.75,000 રોકડાની ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા રાત્રે 1-52 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશ કરતા જોવા મળ્યાં હતા. આ અંગે પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.