શાળા અને કોલેજોમાં વેકેશન પૂરું થઈ ચૂક્યું છે અને હવે પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે ડીસામાં શાળા અને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે અલગ અલગ દાખલા લેવા માટે ભીડ થતા વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાની જાણ થતાં નાયબ કલેક્ટરે જન સેવા કેન્દ્રની મુલાકાત લઈ ને અરજદારો ની પ્રતિક્રિયા સાંભળી ને તેમના માટે સુચારું વ્યવસ્થા કરી આપી હતી..

શાળા અને કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિધાર્થીઓ ને અલગ અલગ દાખલા લેવા પડતાં હોય છે. જેમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ પણ પ્રવેશ મેળવવા માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ હોય છે, અને આ દાખલો મેળવવા માટે છેલ્લા ઘણા સમય થી ડીસાના જન સેવા કેન્દ્ર પર વિધાર્થીઓ નો ધસારો જોવા મળી રહ્યો છે, પરંતુ જન સેવા કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા ના હોવાના લીધે ક્રિમિલેયર સર્ટિફિકેટ લેવા આવતા અરજદારો ને દિવસભર લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. અરજદારોને પડી રહેલી આ મુશ્કેલી અંગે ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલે ગંભીરતા દર્શાવીને આજે જન સેવા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જન સેવા કેન્દ્રમાં ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યા બાદ દાખલા લેવા આવેલા અરજદારો જ્યાં લાઈનમાં ઊભા હતા, ત્યાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ ને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી, અને ત્યારબાદ તરત જ જન સેવા કેન્દ્રમાં ગ્રામીણ અને શહેર વિસ્તારના અરજદારો માટે બે અલગ અલગ વિન્ડો શરૂ કરાવી હતી..

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, નવી વ્યવસ્થાને પગલે હવેથી અરજદારો ને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં..

છેલ્લા પંદર દિવસ થી જન સેવા કેન્દ્રમાં વિવિધ દાખલા મેળવવા આવી રહેલા વિધાર્થીઓ ને વ્યવસ્થાના અભાવે અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે આજથી જન સેવા કેન્દ્રમાં સુચારું વ્યવસ્થા કરવામાં આવતા વિધાર્થીઓને પડતી હેરાનગતિ તો દૂર થશે જ સાથે સાથે તેમનો અભ્યાસનો કિંમતી સમય પણ બચી શકશે..