- ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રન બનાવવાના હતા પરંતુ ટીમ 19.3 ઓવરમાં 152 રન જ બનાવી શકી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રનથી હારીને સિલ્વર મેડલ સાથે સંતોષ માનવો પડ્યો છે. જોકે ભારતીય ટીમ માટે આ રજત પણ ગોલ્ડથી ઓછો નથી કારણ કે ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપી છે.
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન ખાતે રવિવારના રોજ રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 8 વિકેટ પર 161 રનનો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમ 19.3 ઓવરમાં 152 રન જ બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરીને 22ના સ્કોર પર જ પોતાના બંને ઓપનર્સ શેફાલી વર્મા (11) અને સ્મૃતિ મંધાના (6)ની વિકેટ ગુમાવી દીધી. જોકે ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર (65) અને જેમિમાહ રોડ્રિગ્સ (33)એ ત્રીજી વિકેટ માટે 71 બોલ પર 96 રનની ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. હરમનપ્રીત કૌરે આ દરમિયાન પોતાનો આ વર્ષનો બેસ્ટ સ્કોર કર્યો છે. તેણે 43 બોલમાં 7 ચોગ્ગા (ફોર) અને 2 છગ્ગા (સિક્સ) માર્યા. જ્યારે રોડ્રિગ્સે 33 બોલમાં 3 ચોગ્ગા માર્યા.
રોડ્રિગ્સ ટીમના 118ના સ્કોર પર 'થર્ડ બેટર' તરીકે આઉટ થઈ. તેના આઉટ થયા બાદ એશ્લી ગાર્ડનરે સતત 2 બોલમાં 2 વિકેટ લઈને ભારતને મુશ્કેલીમાં મુકી દીધું. ગાર્ડનરે પહેલા પૂજા વસ્ત્રકર (1) અને પછી કેપ્ટન હરમનપ્રીત કૌરની મોટી વિકેટ આંચકી લીધી. 5 વિકેટ ગુમાવ્યા બાદ ભારતને છઠ્ઠો શોક સ્નેહ રાણા (8)ના રન આઉટમાં મળ્યો.
સતત વિકેટ જવાના કારણે ભારતીય ટીમ પ્રેશરમાં આવવા લાગી હતી. ટીમને છેલ્લી 2 ઓવરમાં ગોલ્ડ મેડલ જીતવા માટે 17 રન બનાવવાના હતા અને 4 વિકેટ બાકી હતી. ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રન બનાવવાના હતા પરંતુ ટીમ 19.3 ઓવરમાં 152 રન જ બનાવી શકી.
ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 5 વિકેટ 13 રનમાં જ લઈ લીધી. સ્પિનર એશલે ગાર્ડનરે 16 રન આપીને 3 વિકેટ લીધી. ગાર્ડનરની ઓવર મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને ભારતે હારનો સામનો કરવો પડ્યો. તે સિવાય મેગન શૂટે 2 અને ડાર્સી બ્રાઉન તથા જેન જોનાસનના ખાતામાં 1-1 વિકેટ આવી.