રથયાત્રા માર્ગમાં આવતી પોળ અને મકાનોમાં રહેતી મહિલાઓ પોલીસ સાથે સંકલન કરશે

અમદાવાદમાં આ વખતે 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથને આવકારવા શહેરીજનો તૈયારી કરી રહ્યા છે. હવે ગણતરીના દિવસો બાકી છે તે સમયે રથયાત્રામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને હવે એક નવો સોર્સ મળી ગયો છે. કારણ કે આ વખતે કોઈ બીજું નહીં પણ રથયાત્રા માર્ગમાં આવતી પોળ અને મકાનોમાં રહેતી મહિલાઓ પોલીસ સાથે સંકલન કરશે અને તમામ ગતિવિધિની માહિતી આપશે. આ સમયે મહિલા અધિકારીઓ મહિલાઓ પાસે જઈને તેમની સાથે વાત કરી રહી છે અને તેમનો વિશ્વાસ કેળવીને કોઈ પણ બાબતે બંને એકબીજા સાથે છે તેવું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે. મહિલા પોલીસ શંકાસ્પદ વ્યક્તિ કેવો દેખાય તેની ટેક્નિક પોળોની મહિલાઓને શીખવી રહી છે.

અમદાવાદ શહેરમાં ચાર મહિલા ડીસીપી, બે એસીપી કક્ષાના અધિકારીઓ આજકાલ શહેરની પોળો, ગલીઓમાં મહિલાઓ સાથે મિટિંગ કરી રહી છે. અમદાવાદ શહેરની ચાર મહિલા ડીસીપી અને બે મહિલા એસીપી આજકાલ શહેરની અલગ અલગ પોળ અને ગલીઓમાં જાય છે અને મહિલાઓ સાથે સંવાદ કરે છે. મહિલા અધિકારીઓ મહિલાઓ સાથે જ મિટિંગ કરે છે અને તેઓને પોલીસ વિશેની ખોટી માન્યતાઓ દૂર કરવા તેમજ તેઓ તેમની સાથે છે અને બંને અરસપરસ એકબીજાને મદદ કરી શકે છે તેવું વાતાવરણ ઊભું કરી રહ્યાં છે.