ડીસામાં રવિવારે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટા બાદ વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર ભારે આંધી શરૂ થઈ જતા વાહન ચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. જ્યારે ભારે પવન સાથે તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ લોકોના જાનમાલને નુકસાન થયું છે.

હવામાન વિભાગ દ્વારા ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ 28 અને 29 તારીખે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આજે ડીસામાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોરદાર ભારે પવન સાથે આંધી ફૂંકાવા લાગી હતી. તોફાની વાવાઝોડું સાથે ધૂળની ડમરીઓની આંધી શરૂ થતા જ વાહન ચાલકોની વિઝીબિલિટી ઘટી જતા રોડની સાઈડમાં થોડીવાર માટે થંભી ગયા હતા. જ્યારે વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદથી શહેરમાં અનેક જગ્યાએ લોકોના જાનમાલને નુકસાન થયું હતું.

ડીસા શહેરમાં ભારે પવન ફૂંકાતા રાહદારીઓ અને વાહચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં જ વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તેમજ જલારામ મંદિર પાસે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. જ્યારે એક શેરડીના રસનું કોલું પણ ભારે પવનના કારણે ઊંધું વળી ગયું હતું. જ્યારે અનેક જગ્યાએ દુકાનોના સેડ પણ ઉડી જતા લોકોને નુકસાન વેઠવું પડ્યું છે.