પાટડી પીજીવીસીએલ કર્મચારીનું દલિતવાસમાં વિજ રીપેરીંગ દરમિયાન વિજશોક લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પાટડી પીજીવીસીએલમાં રીપેરીંગ કામકાજમાં ઘણા વર્ષોથી ફરજ બજાવતા મુકેશભાઇ કે.ગામેતી પોતાના મિલનસાર સ્વભાવ અને કામ પ્રત્યેની ફરજ નિષ્ઠાના કારણે પાટડીમાં જાણીતા હતા. ત્યારે શનીવારે બપોરના સમયે પાટડી દલિતવાસમાં પાલિકાના બોરમાં કોઇ ફોલ્ટ સર્જાતા તેઓ તાકીદે રીપેરીંગ કામ અર્થે દોડી ગયા હતા અને વિજ રીપેરીંગ કામ દરમિયાન જ તેઓને અચાનક વિક શોક લાગતા તેઓ ફસાડાઇ પડ્યાં હતા. અને ઘટનાસ્થળે જ એમનું પ્રાણ પખેરૂ ઉડી ગયું હતુ.આ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ પાટડીના કાર્યપાલક ઇજનેર નિલેશ મંડલી સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ ઘટના અંગે પાટડી પોલીસને જાણ કરાતા પાટડી પોલીસ મથકના પીએસઆઇ ઝેટ.એલ.આડેદસરા સહિતનો પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક મુકેશભાઇ કે.ગામેતીની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી મૃતકના પરિવારજનોને પણ આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવતા તેઓ પણ પાટડી આવવા રવાના થયા હતા. ત્યારે પાટડી પીજીવીસીએલના મિલનસાર કર્મચારીનું વિજશોક લાગવાથી મૃત્યુ નિપજવાની ઘટનાની જાણ થતાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.