10 નોટીસ ફટકારી છતાં કોન્ટ્રાક્ટરે રોડ ન બનાવ્યો: ડીસામાં મંજૂરી મળ્યા બાદ દોઢ વર્ષ સુધી 6 રોડની કામગીરી શરૂ ન કરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી; અન્ય એજન્સીને કામ સોંપી તાત્કાલિક રોડ બનાવાશે
ડીસા તાલુકામાં અનેક જગ્યાએ રોડની મંજૂરી મળી ગયા બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ શરૂ કરાયું નથી. તો કેટલી જગ્યાએ તો મેટલ પાથરી દીધો છે, પરંતુ રોડની કામગીરી શરૂ ન થતા ગ્રામજનો અને વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ડીસા તાલુકામાં જવાનસિંહ સોલંકીને પણ 3.30 કરોડમાં 6 રોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં દામા ગામમાં બે, વરણ ગામે બે, નાગફણા ગામમાં એક અને એક રોડ ગુગળ ગામે એમ કુલ 6 રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ 2020-21માં મળેલા કોન્ટ્રાક્ટ બાદ દોઢ વર્ષ થવા છતાં પણ એક પણ રોડની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી.
જેથી રોડ બનાવવાની કામગીરી શરૂ ના કરતા અને ટેન્ડરની શરતોનો ભંગ કરતા ડીસા માર્ગ અને મકાન વિભાગ અત્યાર સુધી કુલ 10 વાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીની શરૂઆત કરતા આખરે ડીસા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી.