ડીસા એસટી ડેપોમાં બે નવી એસટી બસોના લોકાર્પણ કાર્યક્રમ બાદ ડીસાના ધારાસભ્યએ ખુદ એસટી બસ ચલાવી રાજ્યસભાના સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ નિગમના પૂર્વ ચેરમેન સહિત નેતાઓને સવારી કરાવી હતી.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડીસા ડેપોને બે નવી મીનીબસ ફાળવવામાં આવી હતી. આ બસોનો લોકાર્પણ કાર્યક્રમ ડીસાના નવા બસ સ્ટેશન ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવે, ડેપો મેનેજર સહિત આગેવાનો તેમજ એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બંને એસટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા બાદ ધારાસભ્ય પ્રવીણ માળીએ એસટી બસમાં ડ્રાઇવિંગ સીટ પર જાતે ચઢી અન્ય નેતાઓની અંદર બેસી જવાનો ઇશારો કરતા સાંસદ દિનેશ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત આગેવાનો બસમાં બેઠા હતા. તેમજ પ્રવીણ માળીએ જાતે જ બસ ચલાવી બસ સ્ટેશનમાં આંટો મારી તમામને સવારી કરાવી હતી. ધારાસભ્યને જાતે બસ ચલાવતા જોવા મોટી સંખ્યામાં મુસાફરો એકત્રિત થયા હતા.