ડીસા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપની બુથ સશક્તિકરણ અંગે બેઠક યોજાઇ હતી. જેમાં આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ લીડ ડીસામાંથી મળે તે માટેની તૈયારીઓમાં લાગી જવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણી તેમજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારોને મોટી લીડ મળે તે માટે બુથ સશક્તિકરણ કરવાના અભિયાનના ભાગરૂપે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ડીસા તાલુકા ભાજપની બેઠક યોજાઇ હતી. જેમાં ડીસા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની સાથે બેઠક યોજી પેજ પ્રમુખ સમિતિની અને શક્તિ કેન્દ્રની ભૂમિકા અંગે ધારાસભ્યએ માહિતી આપી હતી.

આ અંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, આજે ડીસા ખાતે યોજાયેલી બેઠકમાં શક્તિ કેન્દ્રના પ્રભારી અને સંયોજકો સાથે બેઠક યોજી ભાજપનો બુથ સશક્તિકરણ જે ઉદ્દેશ્ય છે તે અંગે વિગતવાર સમજણ આપવામાં આવી. ચૂંટણીમાં કઈ રીતે માઇક્રો પ્લાનિંગ કરી વધુમાં વધુ લીડ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે આગામી ચૂંટણીઓમાં સમગ્ર દેશમાં ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી જંગી લીડ મળે તે દિશામાં કામ કરવા કાર્યકર્તાઓને જણાવ્યું હતું. બેઠકમાં ડીસા તાલુકાના પ્રભારી જયેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, મહામંત્રી બાબરસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.