પાટડી પંથકની સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા યુવાન વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સગીરાના પિતાએ 15 વર્ષની સગીરાને ભગાડી જનારા યુવાન વિરુદ્ધ દસાડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી પંથકના એક ગામમાં ખેતમજૂરી કામ કરતા આધેડને સંતાનમાં છ દીકરીઓ અને એક દીકરો છે. જેમાંથી પાંચ દીકરીઓને લગ્ન કરાવી સાસરે વળાવી દીધી હતી. અને ઘરમાં 15 વર્ષની નાની દીકરી અને એનાથી નાનો દીકરો છે. આ આધેડ ખેતરે ગયા હતા ત્યારે એમની પત્નિનો ફોન આવ્યો હતો કે ઘરમાં દીકરી ક્યાંય દેખાતી નથી. અને દીકરીની સઘન શોધખોળ કરવા છતાં મોડી રાત સુધી એ પરત આવી નહોંતી.ત્યારે ગામમાંથી જાણવા મળ્યું હતુ કે મારી નાની દીકરીને અમારા જ ગામનો ધરમશી સેંધાજી ઠાકોર ભગાડી ગયાની આશંકાએ એના ઘરે તપાસ કરતા એ પણ બપોરના સમયથી ઘેરથી ગાયબ હતો. આથી 15 વર્ષની સગીર વયની દીકરીને લગ્ન અને બદકામ કરવાના ઇરાદે ભગાડી જનારા ધરમશી સેંધાજી ઠાકોર વિરુદ્ધ સગીરાના પિતાએ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસ આરોપી વિરુદ્ધ પોસ્કો અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.