બનાસકાંઠાના ડીસા પાસે આવેલ વાસણા-ગોળીયા ગામે તળાવમાં અચાનક હજારો માછલીઓના મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગામના સરપંચ સહિત આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ કરાવવાની માગ કરી છે.

ડીસા તાલુકાના વાસણા-ગોળીયા ગામે આજે તળાવમાં એક પછી એક એમ હજારો માછલીઓનું મોત થયું છે. અચાનક એકસાથે હજારો માછલીના મોત થયું હોવાના સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત આજુબાજુના લોકો તળાવ પર દોડી આવ્યા હતા. જ્યાં તળાવમાં હજારો મૃત્યુ પામેલી માછલીઓ તરતી હાલતમાં જોવા મળી હતી. અચાનક માછલીના મોત થતાં લોકોમાં અરેરાટી વ્યાપી હતી.

આ ઘટના સંદર્ભે ગામના સરપંચ રતાજી ઠાકોર, વક્તાજી માળી અને નેમાજી માળીએ જણાવ્યું હતું કે, આજે ગામના તળાવમાં માછલીઓના મોત થયું હોવાના સમાચાર મળતાં જ અમે બધા તળાવ પર પહોંચ્યા હતા. ત્યાં જોતા હજારો માછલીઓનું મોત થયું હતું. કોઈએ તળાવમાં ઝેરી પ્રવાહી નાખી દીધું હોય તેવી અમને પુરી શંકા છે માટે અમે સ્થાનિક મામલતદાર અને અન્ય વિભાગમાં પણ જાણ કરી છે. ગ્રામજનોની માંગણી છે કે, આ માછલીઓના મોત અંગે તટસ્થ તપાસ થવી જોઈએ.

વાસણા-ગોળીયા ગામના આ વર્ષો જુના તળાવમાં રોજબરોજ હજારો પશુ પંખીઓ પાણી પીવે છે. ત્યારે આજે અચાનક માછલીના મોત થતાં અન્ય પશુ પંખીઓ પણ આ તળાવનું પાણી પીને મૃત્યુ પામી શકે છે. માટે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરાવી મોત અંગેનું કારણ તપાસ કરે તે ઇચ્છનીય છે.