પાટડી તાલુકાના ખારાઘોડામાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદથી ચકચાર મચી જવા પામી છે. જેમાં મોબાઇલમાં પડાવેલો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાડોશમાં રહેતા શખ્સે સગીરાને પોતાના ઘેર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની સનસનીખેજ વિગતો સામે આવી છે.આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના ખારાઘોડામાં રહેતા તાહીરભાઇ કરીમભાઇએ એના ઘરની બાજુમાં જ રહેતી માત્ર 14 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ રાત્રીના સમયે આ સગીરા ઘેર હાજર મળી આવી નહોંતી. ત્યારે ઘરમાં અને આજુબાજુમાં તપાસ કરવા છતાં એનો ક્યાંય કોઇ જગ્યાએ પત્તો લાગ્યો નહોંતો.ત્યારે સગીરાના પરિવારજનો શંકાના આધારે પાડોશમાં રહેતા તાહીરભાઇ કરીમભાઇના ઘેર જઇને તપાસ કરતા એમણે સગીરા અહીં ન હોવાનું રટણ કર્યું હતુ. બાદમાં તપાસ કરતા સગીરા એના ઘરના રૂમમાં જ મળી આવી હતી. બાદમાં સગીરાને ઘેર લાવી પુછતાં એણે પરિવારજનો સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તાહીર મને ધમકી આપતો હતો કે, તુ મારા ઘરમાં નહીં આવે તો આપણા સાથે પડાવેલો ફોટો અને વિડીયો વાયરલ કરી દઇશ.જેથી બદનામીના ડરથી આ નરાધમ શખ્સ સગીરાને ગમે ત્યારે પોતાના ઘેર બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ. આથી આ બાબતે સગીરાના પરિવારજનોએ ખારાઘોડાના તાહીરભાઇ કરીમભાઇ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ઝેડ.એલ.આડેદરા ચલાવી રહ્યાં છે.