ડીસા શહેરમાંથી વધુ એક સગીરાનું લગ્ન કરવાની લાલચે અપહરણ થયું હોવાથી ઘટના સામે આવી છે. જેમાં માતા શાકભાજી વેચવા ગઈ હતી અને યુવક દીકરીને ઉઠાવી ગયો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

ડીસામાં સગીરાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ થયું હોવાની ફરિયાદ થઈ છે. એસ.સી.ડબ્લ્યુ હાઈસ્કૂલ પાસે રહેતો એક શ્રમજીવી પરિવાર શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સગીરાની માતા શાકભાજી વેચવા ગઈ હતી. તે દરમિયાન ઘરેથી તેમની સગીર દીકરી કઈપણ કહ્યા વગર ચાલી ગઈ હતી. મોડી સાંજે સગીરાની માતા ઘરે પરત આવતા જ દીકરી ઘરે હાજર જોવા મળી ન હતી. જેથી આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ મોડે સુધી સગીરાનો કોઈ જ હતો પતો મળ્યો ન હતો.

બાદમાં વાડી રોડ પર આવેલા પલટન મંદિર નજીક રહેતો મુકેશ કિશોરભાઈ બાવા નામનો યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સગીરાના પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને મુકેશ બાવા સામે સગીરનું અપહરણ કરવા મામલે આઈ.પી.સી 363, 366 મુજબની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.